શનિવાર, 29 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો | Purushottam Maas Katha Adhyay 13 in Gujarati | Adhyay 13 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય તેરમો |  Purushottam Maas Katha Adhyay 13 in Gujarati  | Adhyay 13 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-13-in-gujarati
purushottam-maas-katha-adhyay-13-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા અને અમૃત ધારા જે વાતૉ કહેવાય મૌન મહિમાની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો 


અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા


શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું : “હે મહાભાગ્યશાળી સુત ! જેમ અમૃત પીતાં તૃપ્તિ થાય નહી તેમ અમને તૃપ્તિ જ થતી નથી. હવે અમને પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢધન્વા રાજાને પુરૂષોત્તમ માસના સેવનથી પુત્ર-પૌત્ર અને પતિવ્રતા પત્ની કેવી રીતે મળી અને યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યો તે કથા અમને વિસ્તારથી કહો.”
સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! હે મુનિઓ ! રાજા દ્રઢધન્વાનું ચરિત્ર પાપોનો નાશ ક્કરનાર છે. રાજા દ્રઢધન્વાની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે, તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું.”
હૈહય દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો. તેને દ્રઢધન્વા નામે પ્રખ્યાત પુત્ર થયો હતો. તે સર્વ ગુણોથી યુક્ત, સત્ય બોલનારો, ધર્મને જાણનારો અને શૂરવીર હતો. વેદ-પુરાણો શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યાભ્યાસ પૂર્ણ થતાંતે ગુરુને દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો આવ્યો. ચિત્રધર્મા પણ પોતાનાપુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો.

તે પછી પોતાના એ યુવાન પુત્રને સર્વ ધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માના મનમાં સંસારપ્રત્યે વૈરાગ્ય ઊપજ્યો અને તેણે મનમાં વિચાર્યું કે “હવે આ સંસારમાં મારે શું કામ છે ? હવે હું નિરાંતે પ્રભુભક્તિ કરીશ.” એમ મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢધન્વાને રાજ્યનો કારભાર સોંપી દીધો. પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને શ્રીહરિની ભક્તિ કરતાં તે પ્રભુશરણ થયો. દ્રઢધન્વાએ પણ પોતાના પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી.


તેથી તેને હર્ષ અને શોક બંને થયા. તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધકર્મ કર્યું અને બ્રાહ્મણૉને જમાડી દાન-પુણ્ય કર્યું. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુંવરી ગુણવંતી સાથે તેના વિવાહ થયા.તેણીએ ચાર પુત્રોને જન્મ આપ્યો.શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેણે જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું. ચાર પુત્રો પણ ચિત્રવાક, ચિત્રવાહ,મણિમાન તથા ચિત્રકુંડલ, એવા નામોથી પ્રખ્યાત હતા. બધાય વિવેકી, સુંદર તથા શુરા હતા.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


દ્રઢધન્વા અનેક ગુણોથી પ્રખ્યાત હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્નીવ્રતને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મપાલન કરતો હતો અને બીજા કાર્તિકવીર્ય (સહસ્ત્રાર્જુન) પેઠેઅતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો.
એક વખત રાત્રે દ્રઢધન્વા સૂતો હતો તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું હશે ? ના મેં આ જન્મમાં કોઈ વ્રત કર્યું છે, ના કોઈ તપ કર્યું છે, ના જપ કર્યાછે, ના હોમ-હવન કર્યા છે, છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ ક્યા કારણે પ્રાપ્ત થઈ છે. મારા ભાગ્યનું આ રહસ્ય મારે કોને પૂછવું ? એમ વિચાર્યા કરતો હતો એટલામાં રાત્રિ સમાપ્ત થઈ.


ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધાં. એ પછી તે ઘોડા પર સવાર થયો અને પોતાના રસાલા સાથે જંગલમાં શિકારે નીકળ્યો. ત્યાં તેણે ઘણા મૃગો માર્યાં. પણ એક મૃગની પાછળ દોડવા જતાં તે પોતાના સિપાહીઓથી છૂટો પડી ગયો. રાજાએ એ મૃગને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મૃગ ક્યાંય જંગલમાં અદ્રશ્ય થઈ ગયું. એટલે થાકેલો રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભો. ત્યાં એક મોટું ઝાડ જોયું, આથી થાકેલો રાજા એક વડવાઈએ ઘોડો બાંધીને સરોવરમાંથી પાણી પી પોતાની તરસ છીપાવી આરામ કરવા ત્યાં બેઠો.”


એટલામાં ત્યાં પોપટ આવ્યો. એ પોપટ ત્યાં બેઠેલા દ્રઢધન્વાને સંબોધી એક ઉત્તમ શ્ર્લોક બોલવા માંડ્યો.”હે રાજા ! તું પૃથ્વી ઉપર મળેલા સુખ-વૈભવમાં જ રચ્યોપચ્યો રહે છે, જીવનના સારરૂપ તત્વને તું ભીલી ગયો છે. જો તું એ તત્વનો વિચાર નહીં કરે તો તું ભવપાર કેવી રીતે થઈશ ? જીવનના સાચા સિદ્ધિરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ?” પોપટનાં આવાં ઉપદેશાત્મક બોધવચનો સાંભળી રાજા નવાઈ પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ શુકદેવજી પોતે તેને ઉપદેશ આપી રહ્યા છે. સંસારસાગરમાં ડૂબેલા મારાજેવા અજ્ઞાનીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે જ મોકલ્યા લાગે છે. રાજા આવો વિચાર કરતો હતો એટલામાં રાજાના સિપાહીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.”


પેલો પોપટ રાજાને બોધ આપી અદ્રશ્ય થઈ ગયો. વિચારોમાં ડૂબી ગયેલો રાજા સેના સાથે પોતાના રાજ્યમાં આવ્યો. રાજમહેલમાં આવ્યા પછી પણ તે પોપટના વિચારોમાં જ ડૂબેલો રહ્યો. તેને ખાવા ભાવ્યું નહીં. રાત્રે તેની ઊંઘ પણ જતી રહી. રાજાનેઆરીતે ચિંતામગ્ન જોઈ તેની રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ગુણસુંદરી બોલી : “ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ ! આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી ! આટલા કેમ હતાશથઈ ગયા છો ? બધી ચિંતાઓ છોડી ભોગ ભોગવો અને આનંદિત થાઓ.” પરંતુ પત્નીના પ્રમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. તે ઉદાસીમાં ડૂબી ગયો.


પતિના દુ:ખથી રાણીને ઘણું દુ:ખ થયું. રાજા દ્રઢધન્વા કઈ ચિંતામાં ડૂબી ગયો હશે તે જાણવાની તેણે ઘણી કોશિશ કરી, પણ રાજાને એ સંદેહરૂપ સમુદ્રમાંથી બહાર કાઢે તેવો કોઈ ઉપાય તેના જોવામાં ન આવ્યો.
રાજાને સતત ઘેરી વળેલી ઉદાસીથી મંત્રીઓ, સેનાપતિ,દાસ-દાસીઓ, નગરજનો પણ ચિંતામાં ડૂબી ગયા.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“દ્દઢધન્વાની કથા” નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


મૌન મહિમાની વાર્તા


અવંતિ નગરીમાં ચાર વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ-જપ-વ્રતમાં સૌથી આગળ રહે. મહીના મહીનાના ઉપવાસ્સ કરે. પાંચ પાંચ વર્ષના ધારણા-પારના કરે. એમ કરતા એ સિત્તેર વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ પાંચ ડગલા ચાલી શકે.


એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે.શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહિ. છતાયબ્રાહ્મણે હિંમત કરી. મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો, તે થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી, વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા. સિધો પડ્યો પથારીમાં, થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા.

રવિવારે કરો સૂર્ય નારાયણ દેવનો આદિત્ય સ્તોત્ર


પ્રભુ બોલ્યા : “હે ભક્ત ! તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તુટવા ન દીધો તેથી હું ઘણો પ્રસન્ન થયો છું, પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ ? તારુ વ્રત તુટશે, તારો સંકલ્પ તુટશે; તેથી તું દોષમાં પડીશ. હે વત્સ ! તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તુટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરૂષોત્તમમાસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સુર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે.
માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.


બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી.
આયુષ્ય પૂર્ણ થતા6 બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયો.


આમ, એકટાણા કરવા છતાં મૌનવ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌનવ્રતના ફળથી ઈન્દ્રરાજાએ વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો.


ન બોલ્યામાં નવ ગુણ, બોલ્યે બગડી જાય;
મૌન તણો મહિમા ઘણો, પુરૂષોત્તમ પ્રસન્ન થાય.


          “પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મૌનવતી બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો.”



Gujarati Bhakti Lekh on Whatsapp






પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો | Purushottam Maas Katha Adhyay 12 in Gujarati | Adhyay 12 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો |  Purushottam Maas Katha Adhyay 12 in Gujarati  | Adhyay 12 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-12-in-gujarati
purushottam-maas-katha-adhyay-12-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બારમો મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય અદેખી ભાભીની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો  


અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ


નારદે કહ્યું : “હે નાથ ! ભગવાન શંકર અંતરધ્યાન થઈ ગયા, તે પછી તે મુનિ કન્યાનું શું થયું તે મને વિગતે આપ કહો, કેમકે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે.”


શ્રી નારાયણ બોલ્યા : “આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું કહું છું. સાંભળો –


શ્રીકૃષ્ણેકહ્યું : “ હે રાજન ! ભગવાન શિવ વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા પછી આવા વિચિત્ર વરદાનથી એ તપસ્વિની કુમારીના હૃદયમાં શોકરૂપીઅગ્નિની જ્વાળા ભભૂકી ઊઠી. તે ચિંતામાં અને નિરાશામાં ડૂબી ગઈ. ઉદાસીએ તેને ઘેરી લીધીઅને દિવસે દિવસે તે કૃશ થઈ કાળને વશ થઈ મૃત્યુ પામી.


તે સમયે પૃથ્વી પર ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપુર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. ત્યારેયજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારી જન્મી, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે લોકમાં પ્રખ્યાત થઈ.


આ જ દ્રૌપદીને વિવાહ યોગ્ય થતાં દ્રુપદરાજાએ યોજેલ સ્વયંવરમાં અર્જુને, કર્ણાદી જેવા મહાપરાક્રમી રાજાઓનું માન-મર્દન કરી માછલીની આંખ વીંધી દ્રૌપદીને પ્રાપ્ત કરી. પણ માતા કુંતાનું વચન પાલન કરવા માટે તે પાંચે પાંદવોની પત્ની બની.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે



“હે રાજન ! એમ પૂર્વેઋષિકન્યા જે મેઘાવતી હતી તે હાલ બીજા જન્મમાં દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. તેણે પૂર્વજ્ન્મમાં પુરૂષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેના લીધે તેને દુષ્ટ દુ:શાસને વાળૅથી પકડિ તેનાં વસ્ત્રો ખેંચ્યા હતાં. દ્રૌપદી આ સાંભળી બોલી: “હે ઈન્દ્રિયોના નિયંતા ! મારે તો બધૂ6યે આપ જછો. દુ:શાસને દુ:ખી કરેલી મને શું આપ નથી જાણૅતા ? “
“પાપી દુ:શાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને કરુણ સ્વરે પોકાર કર્યો. એટલે હે રાજન ! તરત ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યાં હતાં અને તેની લાજ રાખી હતી.


 હે રાજન! પુરૂષોત્તમ માસ સર્વ ફળ આપનારો છે. આ માસ અત્યંત  પવિત્ર અને સર્વકામનાઓ  પૂર્ણ કરનાર છે. સૂરસૂર-નાગ-મુનિ સર્વે આ માસને શ્રદ્ધા અને ભક્તિથી સેવે છે. માટે તમે હવે આવનારા પુરૂષોત્તમ માસનું આરાધન કરો. ચૌદ વર્ષ પૂરાંથતા6 તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. તમારાં કષ્ટો નાશ પામશે અને તમારું ગયેલું રાજ પાછું મળશે અને તમે સર્વ પ્રકારે સુખ-સંપત્તિ પામી અંતે મોક્ષને પ્રાપ્ત કરશો.”


 “હે પાંડુપુત્ર રાજા ! દુ:શાસન, દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને હું યમલોકમાં પહોંચાડીશ.યમરાજા તેમને તેમની કરણીનું ફળ આપશે. હું તો તે દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી.”


“હે રાજા યુધિષ્ઠિર ! હવે હું દ્વારકા જઈશ. ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે. મારાં દર્શન માટે બધા ખૂબ ઉત્સુક રહે છે.’


ભગવાન શ્રીકૃષ્ણે એમ કહ્યું ત્યારે પાંડવો ગળગળાં અવાજે માંડ બોલી શક્યા. હે પ્રભુ ! તમે જ અમારા તારણહાર છો. અમે તમારા શરણે આવેલા છીએ. તમે અમને માર્ગદર્શન આપજો અને અમારી રક્ષા કરજો.” પાંડવોને આશ્વાસન આપી ધીરજ બંધાવી શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાજવા નીકળ્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુ:ખ પામતાં તીર્થાટન કરવા લાગ્યા.હે નારદમુનિ ! એ પછી પાંદવોએ પુરૂષોત્તમ માસ આવતાં તેનું વિધિ-વિધાનથી પૂજા-જપ-તપ-દાન કર્યું. ભગવાન પુરૂશોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા. એ વ્રતની સમાપ્તિ થયા પછી ચૌદ વર્ષ પૂરાં થતાં જ તેઓએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું.”


સુતજી બોલ્યા : “હે બ્રાહ્મણો ! મેં પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય મહામુનિ શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે તમને કહ્યું છે. ગોલોકપતિ ભગવાન શ્રીકૃષ્ણે જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દેવો પણ જાણી શકતા નથી તો આપણે પામર મનુષ્યો ક્યાંથી જાણી શકવાના? 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ” નામનો બારમો અધ્યાય સંપૂર્ણ.


 હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


અદેખી ભાભીની વાર્તા


ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી. તેણે ધણીને એવો વશ કરેલો કે ભાઈ પોતાની બેનને કાંઈ મદદ ના કરે. બ્રાહ્મણીને સાત સાત દીકરા. પેટનો ખાડો માંડ પુરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન. ગામમાં ભાઈના વખાણ કરતી ફરે.


એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું.એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું. એને સંપત્તિ અપાર હતી, પણ સંતતિ ન હતી. ભાભી તો સોળ શણગાર સજીને પૂજન કરવા જાય. એમ કરતાં વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામના તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવાલાગી : “લોકલાજે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો, કાળમાંથી ઊઠ્યા હોય એમ ભુખાવળાની જેમ દોડી ન આવતા.”
નણંદને ભાભીના વેણ વસમાં તો બહુ લાગ્યાં પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ ! મામાના ઘેર જમવા જવાનું, અને મેવા-મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની.

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    


બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમપછાડા કરે છે. બ્રાહ્મણી “હમણાં આવશે, હમણાં આવશે.” એમ સમજાવીને શાંત પાડે છે. એમ કરતાં સાંજ પડી. દી’ આથમી ગયો. ખાઉં ખાઉં કરતાં બિચારા છોકરા ભૂખ્યા-તરસ્યા સૂઈ ગયા. પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરા ઊઠીને ખાવા માંગશે ત્યારે શું આપીશ ? બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે ? અત્યારે તે માંડ માંડ ઝંપીને સૂઈ ગયા છે પણ સવારે વહેલા ઊઠીને પાછા ખાવાનું માંગશે ત્યારે મારે શું જવાબ દેવો ? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશની ઝળહળે છે. મંગલગીત ગવાય છે. ઘરના ખૂણે એઠાં પતરાળાંનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો આઠ-દસ પતરાળાં સાડલામાં છુપાવીને ઘેર આવી, એમાં જે એઠું-જૂઠું વધ્યું હતું એના લાડવા વાળીને પતરાળાં ઘરના ખૂણે ફેંકી દીધાં અને સૂઈ ગઈ. એણે વિચાર્યુંકે છોકરા સવારે ઊઠશે એટલે આ લાડવા આપીશ, તો બચારા ખુશ ખુશ થઈ જશે.


રોજની ટેવ પ્રમાણે બ્રાહ્મમુહૂર્તે ઊઠીને એણે દીવો કર્યો. ત્યાં ખૂણામાં કાંઈક ચળકતુ જોયું. જઈને જોયું તો બધાય પતરાળાં સોનાના થઈ ગયાં છે. એણે તો પતિને જગાડ્યો. પતિ-પત્ની વિચાર કરવા લાગ્યા કે આ તો ભાઈનાં પતરાળાં, ભલેને સોનાનાં રહ્યાં તોય આપણાથી ન લેવાય.


બ્રાહ્મણી તો તરત દોડતી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાનાં પતરાળાં બતાવીને બધી વાત કરી ત્યારે બહેનની ખાનદાની જોઈ ભાઈની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડ્યાં. એણે એ પતરાળાં બહેનને કાપડામાં દઈ દીધાં. પુરૂષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા તેડ્યું. ભાભીને પણ નોંતરું દીધું. ભાઈ-ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં સવા શેર સોનાનો લાડવો મૂક્યો.


મામી ભડકી ! “કેમ આમ સોનાનો લાડવો મૂકો છો ?”


“મામી!” ભાણેજડા બોલ્યા : “અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા નહોતા અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે. જમો તમ તમારે નિરાંતે !”


મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યાં. એ ઊઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારા વાનાં થયાં.
 “શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર;

ફળ તેને લાધશે, નિશ્ચે માનજો એ સાર.”


          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૈને ફળજો.






અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Padmini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 અઘિક માસની સુદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Padmini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

padmini-ekadashi-vrat-katha-gujarati
padmini-ekadashi-vrat-katha-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની વદ પક્ષની પદ્મિની એકાદશી માહાત્મ્ય વ્રત કથા 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 


 ધર્મરાજા આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હવે દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીનાં માહાત્મ્યો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી.


દશમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાનાદિથી નિવૃત થઈને ભગવાન વિષ્ણુનું જ પૂજન કરવું, સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું, ભગવાન વારાહથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા અથવા  માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજનપ્રતિષ્ઠા આદિ કરવું. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું, બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલાહાર કરીને ઉપવાસ કરવો, રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું. 
બારસને દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ ભોજન કરીને બ્રાહ્મણભોજન કરાવીને પારણું કરવું.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ કાર્તવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે –


ત્રેતાયુગની આ કથા છે. માહિષ્મતિ નામની નગરીમાં હૈહય નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક કૃતવીર્ય નામે પુત્ર જન્મ્યો હતો; તેને એક હજાર સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ એના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં, નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યો.


એક હજાર રાણીઓમાં વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ પાછળ ચાલી. રાજ્ય સુખ-સંપત્તિનો તેણે પોતાના પતિની ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ પાછળ ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસીને દશ હજાર વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું.


એક વાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો :”હે માતા ! મારા પતિદેવ હજારો વર્ષોથી પુત્રસુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી !


અનસૂયાએ કહ્યું : “હે પરમસાધ્વી ! પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી, અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત કર.” માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને દશે દિશામાં વિજય મેળવે તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનાંચરણોમાંપડી ગયો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


તપશ્ચર્યા પૂર્ણ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા સમયમાં રાજા-રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનનાં વરદાનથી એને ત્યાં દશમે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું. એ કાર્તવીર્યે  મહાપરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ ત્રણે લોકમાં વૃદ્ધિ પામ્યો.


જેને ત્યાંસંતાનસુખ ન હોય તેવાઓએ, પુત્ર, ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું.



કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇